Friday, July 27, 2012

નબળી દૃષ્ટિ છતાં વર્લ્ડરેકોર્ડ


લંડન, તા. ૨૭
લંડન ઓલિમ્પિક્સમાં શુક્રવારે તિરંદાજીની ચાર ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડ યોજાયા હતા. જેમાં મેન્સ ઇન્ડિવિડયુઅલ, મેન્સ ટીમ, વિમેન્સ ઇન્ડિવિડયુઅલ, વિમેન્સ ટીમની ઇવેન્ટનો સમાવેશ થતો હતો. ક્રિકેટના મક્કા લોર્ડ્ઝ ખાતે યોજાઇ રહેલી તિરંદાજી ઇવેન્ટમાં બે વર્લ્ડરેકોર્ડ બન્યા હતા. આ બંને વર્લ્ડરેકોર્ડ સાઉથ કોરિયાના તિરંદાજે બનાવ્યો હતો. ૭૨ મીટરની ઇન્ડિવિડયુઅલ ઇવેન્ટમાં વર્લ્ડરેકોર્ડ બનાવનારા ઇમ ડોંગ-હ્યુનની સિદ્ધિનું મહત્વ એટલા માટે મહત્વ વધી જાય છે કે તેની દૃષ્ટી નબળી છે. આ કારણે જ હ્યુનનો ઓલિમ્પિક્સની 'બ્લાઇન્ડ' કેટેગરીમં સમાવેશ કરવામાં આવ્યો છે.
તિરંદાજીના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાઉથ કોરિયાના હ્યુનની સિદ્ધિ
આ શારિરિક નબળાઇને હ્યુને પોતાની વચ્ચે આવવા દીધી નહોતી. રસપ્રદ વાત એ છે કે હ્યુને પોતાનો જ વર્લ્ડરેકોર્ડ તોડયો છે. સાઉથ કોરિયાએ બીજો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઇવેન્ટમાં બનાવ્યો હતો. જેમાં પણ હ્યુનનું યોગદાન રહ્યું હતું. હ્યુને આ રેકોર્ડ પોતાના સાથી ખેલાડી કિમ બબમિન, ઓહ જીન હ્યુક સાથે મળી બનાવ્યો હતો.
હ્યુનનું વિઝન ૨૦/૨૦૦ છે
૨૬ વર્ષીય હ્યુનનું વિઝન ૨૦/૨૦૦ છે. જેનો મતલબ એ થાય છે કે કોઇ પર્ફેક્ટ વિઝન ધરાવતી વ્યક્તિની સરખામણીએ તે ૧૦ ગણું ઓછું જોઇ શકે છે. ૨૦૦૪, ૨૦૦૮ની ઓલિમ્પિક્સમાં હ્યુને ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી.
ભારત માટે નિરાશા
તિરંદાજીમાં ભારત માટે પ્રથમ દિવસ નિરાશાજનક રહ્યો હતો. દીપિકા કુમારી રેન્કિંગ રાઉન્ડમાં ૬૬૨ પોઇન્ટ સાથે છેક આઠમા,બોમ્બાલ્યા દેવી ૨૨મા અને સ્વુરો ૫૦મા ક્રમે આવી હતી. ટીમ પર્ફોમન્સમાં ભારતે ૧૨ ટીમ વચ્ચે ૯મો ક્રમ મેળવ્યો હતો. મેન્સ વિભાગમાં જયંતા તાલુકદાર છેક છેલ્લો આવ્યો હતો.
ખોટી જાહેરાતથી પ્રેક્ષકો પરેશાનીમાં
લંડન ઓલિમ્પિક્સમાં શુક્રવારે તિરંદાજીની ઇવેન્ટ લોર્ડ્ઝ ખાતે યોજાઇ હતી. ઓલિમ્પિક્સની આયોજન સમિતિએ પોતાની વેબસાઇટમાં એવી જાહેરાત મૂકી હતી કે આ પ્રીલિમનરી રાઉન્ડ હોવાથી તેમાં કોઇ ટિકિટ રાખવામાં આવી નથી. આ નિઃશુલ્ક પ્રવેશ જોઇ સ્ટેડિયમ પહોંચેલા પ્રેક્ષકોને માલૂમમ પડયું કે આયોજન સમિતિથી આ જાહેરાતમાં છબરડો થયો છે. હકીકતમાં આ ઇવેન્ટ માટે ટિકિટ રાખવામાં આવી છે. આ રીતે ખોટી જાહેરાત બદલ પ્રેક્ષકો અને આયોજકો ઘર્ષણમાં મૂકાયા હતા.

No comments:

Post a Comment