Monday, July 9, 2012

મિડલ ક્લાસમાંથી મહારથી (બેટલ ગ્રાઉન્ડ)

Jul 03, 2012

બેટલ ગ્રાઉન્ડ - ચિંતન બુચ
આ વખતે લંડન ઓલિમ્પિક્સમાં જે ૧૦૦થી વધુ ભારતીય ક્વોલિફાઇ થયા છે તેમાંથી મોટાભાગનાની વિશેષતા એ છે કે તેમણે આર્થિક નબળાઇને પોતાની પગની બેડી બનવા દીધા વગર આ મુકામે પહોંચ્યા છે. આવા જ ચુનંદા ભારતીય એથ્લેટ્સને ઓળખી લઈએ
નરસિંહ યાદવ
૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ નરસિંહના પિતા અને ભાઈ આજે પણ વહેલી સવારે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં દૂધ વેંચવા નીકળી પડે છે. આર્થિક તંગદિલીને કારણે પિતા અને મોટા ભાઈ રેસલિંગમાં કારકિર્દી બનાવી શક્યા નહીં પણ નરસિંહને આ સ્થિતિનો સામનો કરવો પડે નહીં એ માટે પૂરી તકેદારી રાખી. સ્પોર્ટ્સ ક્વોટાને આધારે રેલવેમાં ટિકિટ ચેકરની કામગીરી અદા કરતા નરસિંહ યાદવને તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચવાણે ક્લાસવન ઓફિસરની પોસ્ટ આપવા પ્રોમિસ આપ્યું છે.
 નરસિંહનો હાલ જે પગાર આવે છે એ ડાયટ પાછળ જ ખર્ચાઇ જાય છે. નરસિંહને વધુ સારી ટ્રેઇનિંગ મળે એ માટે તેનાં માતા-પિતાએ ઉત્તર પ્રદેશમાં પોતાની બે વાર જમીન વેચી કાઢવા મન બનાવી લીધું હતું. જોકે, નરસિંહે પોતાના પૂર્વજોની આ જમીન વેચવા દીધી નહી. નરસિંહ અખાડા સુધી જવા આજે પણ સાઈકલનો ઉપયોગ કરે છે. નરસિંહને તેના ફેવરિટ હીરો વિષે પૂછવામાં આવ્યું તો નામ આપ્યું સુશીલ કુમારનું અને કહ્યું કે થિયેટરમાં ફિલ્મ જોવા પાછળ હું પૈસા ખર્ચતો નથી એટલે કોઇ મારો ફેવરિટ હીરો છે જ નહીં.
દીપિકા કુમારી
રાંચીની ૧૮વર્ષિય દીપિકાના પિતા રિક્ષા ડ્રાઇવર છે અને માતા રાંચી મેડિકલ કોલેજમાં નર્સ છે. સામાન્ય આર્થિક સ્થિતિ હોવાને કારણે એક સમયે દીપિકાને તિરંદાજીમાં કારકિર્દી બનાવવા પ્રશ્નાર્થ હતો. જોકે, ટાટા આર્ચરી એકેડેમીએ તેને સ્કોલરશિપ સાથે કોચિંગની ઓફર કરી અને ભારતીય તિરંદાજીને નવી સ્ટાર મળી. દીપિકા કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ગોલ્ડ વિજેતા હોવા છતાં તેના પિતા આજે પણ રિક્ષા ચલાવે છે. આ રિક્ષામાં કોઇ રિલ નહીં પણ રિયલ હીરો દીપિકા કુમારીના ગોલ્ડમેડલ સાથે પોસ્ટર્સ છે.
એમસી મેરિકોમ
તે દિવસની શરૂઆત થઇ જાય છે સવારે ૬:૦૦ કલાકથી. બાળકોને શાળા માટે તૈયાર કરે છે અને સાથે તેમનો નાસ્તો પણ બનાવે છે. બાળકોને શાળાએ મોકલ્યા બાદ તે રસોડા માટે ખૂટતી વસ્તુની યાદી તૈયાર કરે છે. આ કોઇ સામાન્ય ગૃહિણીની નહીં પાંચ વખતની વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરિકોમની પણ દિનચર્યા છે. સવારે ઘરનાં તમામ કામ આટોપ્યા બાદ તુરંત જ મેરિકોમ પહોંચી જાય છે બોક્સિંગ રિંગ ઉપર. જેમાં તેની નજરમાં એકમાત્ર લક્ષ્ય છે દેશ માટે ઓલિમ્પિક્સમાં મેડલ. મણિપુરના કંગથી ગામ ખાતે મેરિકોમના પિતા ખેતમજૂર હતા. શાળામાંથી છૂટયા બાદ અન્ય બાળકો રમવા જતાં જ્યારે મેરિકોમ પહોંચી જતી પિતાને ખેતીમાં મદદ કરવા.
શાળામાં રમતના પિરિયડ વખતે મોટાભાગનાં છોકરાં બોક્સિંગ શીખવાનું પસંદ કરતાં અને મેરિકોમ એકમાત્ર એવી છોકરી હતી જે તેમની સાથે આ રમત માટે જોડાતી હતી. મેરિકોમની પ્રતિભાને તેના શાળાના કોચ પારખી ગયા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી મેરિકોમને શરૂ-શરૂમાં મિત્ર પાસેથી બોક્સિંગ ગ્લવ્ઝ ઉછીના લેવાં પડતાં હતાં. આ ઉપરાંત દરરોજ ૧૦ કિલોમીટર ચાલ્યા બાદ તેને બીજા શહેરમાં જવા બસ મળતી હતી. મેરિકોમ છોકરી હોવાથી બોક્સિંગ શીખે એ માતા-પિતાને પસંદ નહોતું.
માતા-પિતાને ધ્યાનમાં આવે નહીં એ રીતે મેરિકોમ સ્ટેટ ચેમ્પિયનશિપ સુધી પહોંચી ગઇ અને તેમાં તે ચેમ્પિયન પણ બની. બીજા દિવસે અખબારમાં મેરિકોમનો ફોટો જોતાં જ પિતા લાલઘૂમ થઇ ગયા અને તેમણે બોક્સિંગ છોડવા માટે અલ્ટિમેટમ આપી દીધું. આખરે કોચ અને એશિયન ગેમ્સ'૯૮માં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિન્કોસિંહની સમજાવટથી મેરિકોમના પિતાએ તેને આંતરરાષ્ટ્રીય બોક્સર બનવા ત્રણ વર્ષનો સમય આપ્યો. મેરિકોમે પિતાને આપેલું વચન પાળી બતાવતા ૧૮ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.પ્રથમ જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી મેરિકોમે પુરવાર કરી દીધું કે તે લાંબી રેસની ખેલાડી છે.
મેરિકોમે કે.ઓન્લેર કોમ સાથે લગ્ન કર્યાં. પતિ તરફથી તેને બોક્સિંગમાં કારકિર્દી ઘડવા કાયમ પ્રોત્સાહન મળે છે. મેરિકોમ ટૂર્નામેન્ટમાં રમવા બહાર જાય ત્યારે જોડકાં પુત્ર અને ઘરની જવાબદારી ઓન્લેર કોમ પોતાના ખભા પર લઇ લે છે. ૨૦૦૫ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતતાં જ મેરિકોમને સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાવા ઓફર મળી. સ્વાભિમાની મેરિકોમે આ ઓફર ફગાવતાં કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બોક્સર છું એટલે હું વધુ સારા હોદ્દા માટે હક્કદાર છું. મેરિકોમે પોતાના ઘરના બેઝમેન્ટમાં ઊભરતા બોક્સર્સ માટે એકેડેમી શરૂ કરી છે, જેમાં સાધારણ ફી લેવામાં આવે છે. ભારતીય બોક્સિંગનું ભવિષ્યમાં નામ ઔર રોશન થાય એ આ એકેડેમીનો હેતુ છે. મેરિકોમના ગામમાં આજે પણ દિવસના ૧૦થી ૧૨ કલાક વીજળી હોતી નથી. આ બોક્સર આગામી દિવસોમાં ભારતનું નામ ફરી રોશન કરે તેવી પૂરી સંભાવના છે.
ગીતા કુમારી
બેબસ બદલી અને બે કિલોમીટર ચાલ્યા બાદ આ મહિલા રેસલર પ્રેક્ટિસના સ્થળે પહોંચે છે. તપાસ કરતાં માલૂમ પડે છે કે આજે કોચનું આવવાનું નક્કી નથી. કોચ આવવાના છે કે નહીં તેની તપાસ કરવા આ તેમને બે વાર લોકલ કોલ કરે છે. આ બે વાર ફોન કરવામાં જ રેસલર પાસે પૈસા ખૂટી પડે છે અને તેની પાસે બે જ વિકલ્પ રહે છે, કાં તો આજે ફરજિયાત 'ઉપવાસ' કરવો નહીં તો ૧૫ કિલોમીટર ચાલતા ઘરે જવું. દેશ માટે મેડલ જીતવાનો હોવાથી ડાયટ ઉપર અસર પડવી જોઇએ નહીં એમ વિચારી આ રેસલર ઘરે ચાલતાં જવાનું પસંદ કરે છે. આ કઠિન સ્થિતિનો સામનો કરનારી એટલે દેશ માટે વિમેન્સ રેસલિંગમાં દેશમાંથી સૌપ્રથમ ક્વોલિફાઇ થનારી રેસલર ગીતા કુમારી. ગીતાને રેસલિંગ સાથે લોહીનો સંબંધ. તેના પિતા અને બહેન બંને નેશનલ રેસલર. જોકે, ગીતા આજે એ બંનેથી એક કદમ આગળ વધી ગઇ છે. ગીતાના પિતાની આવક મહિને ત્રણ હજાર. સવાર-સાંજ બાળકોને રેસલિંગ શીખવાડે પણ તેમાં ફીનાં ઠેકાણાં નહીં. ગીતા કુમારીએ કોમનવેલ્થમાં ગોલ્ડમેડલ જીત્યો એ પછી તેના પરિવારની આર્થિક સ્થિતિ બદલાઇ ગઇ છે. ગીતાએ તાજેતરમાં પોતાના પિતાને ગિફ્ટમાં કાર આપી. ભારતીય મહિલા રેસલરનું સ્તર સાધારણ હોવાથી ગીતા હાલ પુરુષ રેસલર્સ સાથે મળી ઓલિમ્પિક્સની તૈયારી કરે છે.
ટિન્ટુ લ્યુકા
પી.ટી. ઉષાએ જેને પોતાને કરતાં પણ દેશની સારી મહિલા એથ્લેટ ગણાવી તે ટિન્ટુ લ્યુકા ૮૦૦ મીટર દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે. કેરળના કન્નુર જિલ્લાના વેલાથોડુ ગામમાં ટિન્ટુના પિતા કડિયાકામ કરે છે અને આજે પણ તેનો પરિવાર બે રૂમના નળિયાની છત ધરાવતા ઘરમાં રહે છે. આજથી પાંચ વર્ષ અગાઉ આર્થિક સ્થિતિ વધુ નબળી હોવાથી માતા-પિતાને ફરજિયાત એકટાણું કરવું પડતું હતું. ટિન્ટુ દરરોજ પાંચ કિલોમીટર ચાલી શાળાએ જતી હતી. એક વાર ટિન્ટુના કાકાએ અખબારમાં પી.ટી ઉષાની એકેડેમીની જાહેરખબર જોઇ અને પોતાની ભત્રીજીની પ્રતિભાથી વાકેફ હોવાથી તેને એ એકેડેમીમાં એડમિશન કરાવી આપ્યું. આ એકેડેમીમાં ટિન્ટુથી પી.ટી ઉષા ખૂબ જ પ્રભાવિત થઇ હતી. ટિન્ટુનો ટાર્ગેટ તેની ઉષા ચીચી (મોટી બહેન) જે હાંસલ કરવાથી સહેજ માટે ચૂકી ગઇ તે ઓલિમ્પિક્સ મેડલ દેશને અપાવવાનો છે.

No comments:

Post a Comment