આજે એકવીસમી સદીમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. મહિલાઓ હવે ફક્ત ઘર ચલાવવા જ નહીં દેશ ચલાવવા સક્ષમ બની છે. એક પણ ક્ષેત્ર બાકી નથી જ્યાં મહિલાનો ડંકો ન હોય. રમત ગમતમાં પણ મહિલાઓ સશક્ત બનીને બહાર આવી રહી છે. ગુજરાતમાં પણ એક એકથી ચડિયાતી સ્પોર્ટ્સમાં ડંકો વગાડનાર વિમેન્સ પ્લેયરો છે. વિમેન્સ ડે નિમિત્તે ગુજરાતના સ્પોર્ટ્સ વિમેન્સ પાવર ઉપર એક નજર.
દીપિકા મૂર્તિ : હોકી
ભારતની ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ગુજરાતી પ્લેયર છે. પંજાબ, હરિયાણાના પ્લેયર્સના દબદબા વચ્ચે ગુજરાતની દીપિકાએ ભારતની ટીમમાં સ્થાન મેળવી બતાવ્યું હતું કે મહેનત કરવાથી બધું જ મળે છે. દિપીકા ભારતની હોકી ટીમમાં ગોલકિપરનો રોલ નિભાવતી હતી. ૨૦૦૪માં ભારતે એશિયા કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તે ટીમની સભ્ય હતી. ૨૦૦૬માં દોહામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ટીમની સભ્ય હતી.
અંકિતા રૈના : ટેનિસ
વિમેન્સ ટેનિસ પ્લેયરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતમાંથી એકમાત્ર સાનિયા મિર્ઝાનું નામ જ પ્રચલિત છે. આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ બે-ત્રણ વિમેન્સ પ્લેયર પ્રખ્યાત છે. જેમાં ગુજરાતની સ્ટાર પ્લેયર અંકિતા રૈનાનું
નામ સામેલ છે. ટેનિસ રેન્કિંગમાં અંકિતા ભારતની ત્રીજા નંબરની પ્લેયર છે. હાલમાં જ કઝાકિસ્તાનમાં યોજાયેલ ફેડ કપમાં રમનારી ગુજરાતની સૌપ્રથમ પ્લેયર બની હતી. અંકિતા હાલ પૂણેમાં ટ્રેનિંગ લઈ રહી છે. અંકિતાએ ટાઈટલ મેળવ્યા છે.
ધ્યાની દવે : ચેસ
ધ્યાની દવેએ ચેસમાં ગુજરાતનો ડંકો વગાડયો છે. ધ્યાનીએ ૨૦૧૨માં વિમેન્સ ઈન્ટરનેશનલ માસ્ટર ટાઈટલ મેળવ્યું હતું. ધ્યાની ચેસમાં ગુજરાતની પ્રથમ ઈન્ટરનેશનલ માસ્ટર વિમેન્સ પ્લેયર બની છે. ધ્યાની આગામી સમયમાં ગુજરાતની સૌપ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર બને તેવી સંભાવના છે. આ ઉપરાંત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગયા વર્ષે એકસાથે ૧૨૫ રેટેડ ચેસ પ્લેયર્સ સાથે રમી લિમ્કા બુકમાં રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાની સિદ્ધિ મેળવી હતી.
પારુલ પરમાર : બેડમિન્ટન
વિકલાંગ હોવા છતા પહાડ જેવું મજબૂત મનોબળ ધરાવતી ગાંંધીનગરની બેડમિન્ટન પ્લેયર પારુલ પરમારે અનેક સિદ્ધિઓ મેળવી છે. વિકલાંગ કેટેગરીમાં અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ ગુજરાતની પ્રથમ વિમેન્સ પ્લેયર બની છે. પારુલે ૧૧ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યા છે. આ ઉપરાંત ૨૦૦૭માં થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ૨૦૦૮માં એશિયન ચેમ્પિયન પણ બની હતી.
લજ્જા ગોસ્વામી : શૂટિંગ
આણંદની શૂટર લજ્જા ગોસ્વામીએ ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવી શૂટિંગમાં ગુજરાતને એક અલગ ઓળખ અપાવી છે, શૂટિંગમાં ગુજરાતના મેન્સ પ્લેયરો જે નથી કરી શક્યા તે લજ્જા ગોસ્વામીએ કરી બતાવ્યું છે. લજ્જા પાસે પોતાની ગન ન હોવા છતા આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. લજ્જાએ અગાઉ અનેક વખત વર્લ્ડ ચેમ્પિયન -શિપમાં ભાગ લીધો છે. જેમાં તે થોડા સ્કોરના અંતરથી મેડલ જીતવાથી વંચિત રહી હતી. આગામી લક્ષ્ય ઓલિ. ૨૦૧૬ છે.
પૂજા ચૌરુસી : ટ્રાયથ્લોન
સુરતની પ્રતિભાશાળી ટ્રાયથ્લોન પ્લેયર પૂજા ચૌરસીએ ભારતને ૧૫ વર્ષ બાદ ટ્રાયથ્લોનમાં મેડલ અપાવ્યો હતો. કઝાકિસ્તાનમાં યોજાયેલ ટ્રાયથ્લોન એશિયન કપમાં પૂજાએ બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. પૂજા ફક્ત છ સેક્ન્ડ માટે સિલ્વરથી વંચિત રહી હતી. આ ઉપરાંત સિંગાપુરમાં યોજાયેલી એશિયન ટ્રાયથ્લોનમાં સહેજ માટે મેડલથી વંચિત રહી હતી. પૂજાનો સમાવેશ હાલ દેશની શ્રેષ્ઠ ટ્રાયથ્લોન પ્લેયર્સમાં કરવામાં આવે છે.
No comments:
Post a Comment