Thursday, December 6, 2012

ઓલિમ્પિકમાંથી ભારત આઉટ, કારણ કે ભારતમાં ખેલકારણમાં રાજકારણ


નવી દિલ્હી, 6 ડિસેમ્બર
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને એોવા સમયે સસ્પેન્ડ કર્યું છે જ્યારે આ મુદ્દો ભારતમાં આજકાલ ચર્ચાનો વિષય છે. ભ્રષ્ટાચાર અને ગોટાળાઓમાં ફસાયેલાં લોકોની ઓલિમ્પિક સંઘમાં ચૂટણી અંગે નારાજગી વ્યક્ત કરીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને ભારતને બહારનો રસ્તો બતાવી દીધો છે.
 ક્રિકેટથી માંડીને તીરંદાજી સુધી ભારતમાં આશરે ૪૦ જેટલાં સ્પોટ્ર્સ એસોસિયેશન્સ આવેલાં છે. જુદી જુદી રમતોના વિકાસ માટે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે બનાવેલાં આ સ્પોટ્ર્સ એશોસિયેસન્સનું સૌથી મોટી દુર્ભાગ્ય એ છે કે દાયકાઓથી તેનું નેતૃત્વ સીધી કે આડકતરી રીતે રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે ભાજપના નેતા વી. કે. મલ્હોત્રા. છેલ્લા ઘણા દાયકાઓથી મલ્હોત્રા તીરંદાજી સંઘના પ્રમુખ છે અને સૌથી શરમજનક અને હાસ્યાસ્પદ બાબત તે છે કે વી. કે. મલ્હોત્રાએ તેમનાં જીવનમાં ક્યારેય તીરકામઠાંને હાથ પણ લગાવ્યો નથી. ભારતીય લોકશાહીને દુનિયાની સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે પરંતુ શું તેનો મતલબ એ છે કે દરેક ક્ષેત્રમાં રાજકારણને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે ? આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘમાંથી ભારતીય ઓલિમ્પિક સંઘને સસ્પેન્ડ કરી દીધા બાદ સવાલ એ પેદા થાય છે કે શું રાજકારણની ગંદકીમાં ભારતનું રમતજગત બરબાદ થઈ રહ્યું નથી ને?
સ્પોટ્ર્સ એસોસિયેશન, ભ્રષ્ટાચારનો પર્યાય
ભારતમાં રમાતી અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ કરાયેલી તમામ રમતોના વિકાસ અને સંચાલન માટે ગામડાંઓની શેરીઓથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી સ્પોટ્ર્સ એસોસિયેશનની રચના કરાય છે. સાથે સ્પોટ્ર્સ એસોસિયેશનને ચલાવવા માટે એક ગર્વિંનગ બોડીની પણ રચના કરવામાં આવે છે. આ બોડીનું કામ ખેલાડીઓને પસંદ કરીને તેમને ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ રમતો જેવી વિશ્વકક્ષાની રમતો માટે તૈયાર કરવાનું છે. દર વર્ષે લાખો યુવાનો જિલ્લા અને રાજ્યકક્ષાઓની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરીને દેશ માટે રમવાનું સપનું જૂએ છે, જોકે ભ્રષ્ટ રાજકારણીઓ અને ગળાડૂબ ગોટાળાઓથી ખદબદતા રમત સંઘોનાં કારણે તેમનું સપનું ચકનાચૂર થઈ જાય છે. સૌથી મોટા દુઃખની વાત તો તે છે કે આ સ્પોટ્ર્સ એસોસિયેશન્સ ૧૨૫ કરોડ દેશની વસતીમાંથી એવા ૧૨૫ પણ ખેલાડીઆને તૈયાર નથી કરી શકતા જેઓ ઓલિમ્પિકમાં પદક જીતી શકે.
રમત સાથે જોડાયેલા કેટલાક રાજકારણીઓ
શરદ પવાર (બી.સી.સી.આઇ. અને આઈ.સી.સી.ના પૂર્વ અધ્યક્ષ)
એનસીપીના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે. પવાર એક રાજનીતિજ્ઞાની સાથે સાથે ક્રિકેટપ્રશાસક તરીકે પણ ઓળખાય છે, જો શરદ પવારની રાજકીય કેરિયર પર નજર નાખવામાં આવે તો સ્પષ્ટ જણાઈ આવે છે કે શરદ પવારે રાજનીતિ સિવાય બીજું કશું કર્યું નથી. ભૂતકાળમાં બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી ચૂકેલા શરદ પવાર આઇસીસીના ચેરમેનપદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
લલિત ભાનોત
બે વર્ષ પહેલાં કોમનવેલ્થની રમતોમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લલિત ભાનોતની ચાલુ મહિને જ ભારત ઓલિમ્પિક સંઘના જનરલ સેક્રેટરી તરીકે વરણી કરાઇ હતી. અગાઉ ભ્રષ્ટાચાર મામલે તેમણે લગભગ એક વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. કોમનવેલ્થ રમતોમાં સ્વિસ કંપનીને રૃ. ૭૦ કરોડના કોન્ટ્રાક્ટ આપવા મામલે તેમના પર આક્ષેપ કરાયા હતા. લલિત ભાનોતે આઇઓસીના વડા તરીકે ચૂંટણી દરમિયાન બચાવ કરતાં જણાવ્યું હતું કે હજુ સુધી તેને કોઇ કોર્ટે દોષિત ઠેરવ્યો નથી.
અભયસિંહ ચૌટાલા( બોક્સિંગ સંઘના અધ્યક્ષ-હરિયાણાના ધારાસભ્ય)
અભયસિંહ ચૌટાલાએ પોતાનાં રાજકીય પ્રભુત્વના જોરે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન પર પોતાનો કબજો જમાવી દીધો હતો. આ ઉપરાંત તેઓ બોક્સિંગ સંઘના અધ્યક્ષપદ પર પણ કામગીરી નીભાવી રહ્યા છે. રાજકીય પરિવાર સાથે સંબંધ રાખનારા અભયસિંહ ચૌટાલા બોક્સિંગમાં પોતાની કેરિયર બનાવવા માગતા ખેલાડીઓને રાજનીતિની ભાગદોડમાં ખાસ સમય આપી શકતા નથી. અભયસિંહ ચૌટાલાની સામે આવક કરતાં વધુ સંપત્તિ રાખવા મામલે કેસ પણ ચાલી રહ્યા છે.
અખિલેશ દાસગુપ્તા (બેડમિંટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ)
ઓલ ઇન્ડિયા બેડમિંટન એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ દાસગુપ્તા ઉત્તર પ્રદેશની રાજનીતિના નામચીન ચહેરા છે. ખાનગી યુનિર્વિસટીના માલિક અખિલેશ દાસગુપ્તા પર ગોટાળાઓના અનેક આરોપ લાગી ચૂક્યા છે. ગુપ્તાનાં જ નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું, જોકે આજે ઓલિમ્પિકમાં બેડમિંટન રમવા ગયેલા તમામ ખેલાડીઓ મુખ્ય સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. અખિલેશ અને ઓલિમ્પિક સંઘમાં કોચપદને લઇને પણ વિવાદ થયો હતો. બાદમાં કેટલાક ખેલાડીઓએ મળીને અલગ સંઘ બનાવવાની જાહેરાત કરી હતી.
વિજયકુમાર મલ્હોત્રા (ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યવાહક અધ્યક્ષ અને તીરંદાજી સંઘના અધ્યક્ષ)
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રા હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યવાહક અધ્યક્ષ તરીકે ઓલિમ્પિક સમિતિને સંભાળી રહ્યા છે. મલ્હોત્રાની દેખરેખ હેઠળ ભારતીય ઓલિમ્પિક ટીમને લંડન મોકલવામાં આવી હતી.
પ્રફુલ્લ પટેલ ( ભારતીય ફૂટબોલ સંઘના અધ્યક્ષ)
૪ વખત લોકસભા અને ૨ વખત રાજ્યસભામાં સાંસદ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રફુલ્લ પટેલને શરદ પવારના ખાસ નજીકના માણસ માનવામાં આવે છે. વર્ષ ૧૯૯૧થી રાજકારણમાં સક્રિય પ્રફુલ્લ પટેલ ફૂટબોલ સંઘના અધ્યક્ષ છે. રાજકારણના પ્રભાવનાં કારણે તેમણે એશિયન ફૂટબોલ ફેડરેશનના ઉપાધ્યક્ષપદે પણ કબજો પ્રાપ્ત કરી લીધો છે.
બ્રિજભૂષણસિંહ(ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ)
બ્રિજભૂષણસિંહ હાલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ છે. કુસ્તીની રમતે દારાસિંહ સહિત વિશ્વને કેટલાય પ્રખ્યાત પહેલવાન આપ્યા છે. હાલમાં વિશ્વચેમ્પિયન સુશીલકુમારની આગેવાનીમાં ભારતીય પહેલવાન વિશ્વમાં પોતાની ધાક જમાવી રહ્યા છે.
અજયસિંહ ચૌટાલા(ટેબલટેનિસ એસોસિયેશનના અધ્યક્ષ-હરિયાણાના ધારાસભ્ય)
અભયસિંહ ચૌટાલાની જેમ અજયસિંહ ચૌટાલાનું કામ રમવાનું નહીં પરંતુ વૈશ્વિક સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે તે માટે ટેબલટેનિસના ખેલાડીઓ તૈયાર કરવાનું છે. અજયસિંહ ચૌટાલા સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
જગદીશ ટાઇટલર( ભારતીય જૂડો સંઘના અધ્યક્ષ-કોંગ્રેસ નેતા)
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં ભડકી ઉઠેલાં શીખ-વિરોધી રમખાણોના આરોપી જગદીશ ટાઇટલર ભારતીય રાજકારણના જૂના અને જાણીતા ચહેરા છે. જગદીશ ટાઇટલર ૩ વાર સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્રમાં અનેક વાર મંત્રી રહી ચૂક્યા છે.
પરમિંદરસિંહ ઢીઢસા( ભારતી સાઇક્લિંગ સંઘના અધ્યક્ષ-સાંસદ)
પંજાબ રાજ્યના પીડબલ્યુડી ખાતાના પ્રધાન પરમિંદરસિંઘ ઢીઢસાને ૨૦૧૧ના જૂન મહિનામાં સર્વાનુમતે ચાર વર્ષના ગાળા માટે સાઇક્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે વરણી કરાઇ હતી. દેશમાં સાઇક્લિંગને ભલે એક રમત તરીકે માનવામાં ન આવતી હોય પરંતુ સરકાર પાસે આ રમતને પ્રોત્સાહન આપવા માટે કોઇ ખાસ કાર્યક્રમ પણ નથી. વિશ્વમાં સાઇક્લિંગને ખૂબ જૂની રમત માનવામાં આવે છે પરંતુ ભારતમાં આ રમતનું હાલમાં કોઇ ખાસ ભવિષ્ય નથી.
જે. એસ. ગેહલોત(કબડ્ડી ફેડરેશનના અધ્યક્ષ-રાજસ્થાનના ધારાસભ્ય)
ભારતનાં ગામડાંઓની પ્રખ્યાત રમત ગણાતી કબડ્ડીના કર્તાહર્તા પણ રાજકીય વ્યક્તિ છે. રાજસ્થાનના ધારાસભ્ય જે. એસ. ગેહલોત રાજકારણની સાથે સાથે વ્યવસાય પણ કરે છે, જોકે આગામી દિવસોમાં જ્યારે પૈસા અને પાવરની રમત શરૃ થશે ત્યારે આ પરંપરાગત રમતને બચાવવી મુશ્કેલ બની જશે.
દિગમ્બર કામત(સ્વિમિંગ એસોસિયેશનના અધ્યક્ષ-કોંગ્રેસ નેતા, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન)
ભારતીય સ્વિમિંગ એસોસિયેશનની કમાન હાલમાં એવી વ્યક્તિના હાથમાં છે જેની રાજકીય નૈયા ક્યારેય એક પાર્ટીમાં તરી નથી. ક્યારેક કોંગ્રેસની રાજકીય નૈયામાં સવાર થયેલા દિગંબર કામતે થોડા દિવસો પહેલાં ભાજપનો હાથ પકડી લીધો હતો. બાદમાં ફરીથી તેઓ કોંગ્રેસમાં આવી ગયા અને ગોવાના મુખ્યપ્રધાનપદની કામગીરી સંભાળી હતી, જોકે દેશના તરવૈયા ખેલાડીઓની નૌકા ક્યારે પાર પડશે તે અંગે કોઇ નિશ્ચિતતા પ્રવર્તતી નથી.

No comments:

Post a Comment