લૌસાને (સ્વિત્ઝર્લેન્ડ), તા. ૪
ભારતીય સ્પોર્ટ્સમાં વધુ એક કલંકિત પ્રકરણનો ઉમેરો થયો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)એ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ને સસ્પેન્ડ કરી દીધું છે. ઓલિમ્પિક ચાર્ટરના નિયમનું પાલન નહીં કરવા બદલ આઇઓસીએ ભારત સામે આ પ્રકારનું કડક વલણ અખત્યાર કર્યું છે. આઇઓસીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી પ્રક્રિયામાં નિયમની ઐસી તૈસી કરવા બદલ ભારતને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો છે. આઇઓસીનો આરોપ છે કે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણીમાં છેલ્લાં બે વર્ષથી ભારતીય સરકાર દખલ કરી રહી છે.
બુધવારે યોજાનારી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી અગાઉ આઇઓસીએ આ કડક પગલું ભર્યું છે. આઇઓસીએ અગાઉ જ અનેકવાર એવી ચીમકી આપી હતી કે, ૫ ડિસેમ્બરે યોજાનારી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી ઓલિમ્પિક ચાર્ટર અનુસાર નહીં યોજવામાં આવે તો તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. ભારતે આઇઓસીની આ ચીમકી સામે આંખ આડા કાન કર્યા અને આજે તેનાં કારણે વર્લ્ડ સ્પોર્ટ્સમાં ભારતને નીચું જોવાનો વારો આવ્યો છે.
કારણ
લોકલ બોડીમાં રાજકીય નિયુક્તિઓના કારણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું કડક પગલું.
અસર
ખેલાડીઓ માટે ભારે આઘાત. ભારત હવે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઇ શકે .
કોણ શું કહે છે?
આ એક અયોગ્ય અને એકતરફી નિર્ણય છે. અમે આ મામલે આઇઓસીને પત્ર લખ્યો હતો પણ તેમને કોઇ વળતો ઉત્તર પાઠવ્યો નહોતો. અમે ફરી આઇઓસી સમક્ષ અમારો પક્ષ રજૂ કરીશું અને પ્રતિબંધ પાછો ખેંચી લેવા અનુરોધ કરીશું.
અભયસિંહ ચૌટાલા (આઇઓએના અધિકારી)
તિરંગા વિના રમવા ઊતરીશું ત્યારે ઝનૂન તો ઓછું થઇ જ જશે. આ મામલે તાકીદે ઉકેલ આવશે તેમાં જ ભારતીય સ્પોર્ટ્સનું હિત છે.
-એમસી મેરિકોમ (ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ બોક્સર)
બાય, બાય આઇઓએ. ફરીથી તમને જોવાની આશા રાખું છું પણ વધુ સ્વચ્છ રીતે.
-અભિનવ બિન્દ્રા (ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ શૂટર)
દેશના દરેક રમતપ્રેમીને ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે. સ્પોર્ટ્સ ફેડરેશન જે રીતે ભારતમાં રમતનું નખ્ખોદવાળી રહ્યું હતું તેનાં કારણે આઇઓએ પ્રતિબંધને જ હકદાર હતું.
-હર્ષા ભોગલે (કોમેન્ટેટર)
જવાબદાર કોણ?
સ્પોર્ટ્સ ફેડરેશનના અધિકારીઓનો લાપરવાહ
અભિગમ આ માટે મુખ્ય જવાબદાર છે. દેશમાં
સ્પોર્ટ્સનો વિકાસ કેવી રીતે કરવો તેના સ્થાને
આ અધિકારીઓ પોતાનું ગજવું કેમ ભારે કરવું
તેની જ દોટમાં વ્યસ્ત રહ્યા. ભારતીય સ્પોર્ટ્સને
ભવિષ્યમાં આવા 'કાળા દિવસ'નો સામનો કરવો
જ પડશે તેવી નિષ્ણાતો અગાઉ જ આગાહી કરી
ચૂક્યા હતા. ઓલિમ્પિક્સ કે અન્ય સ્પોર્ટ્સ
ફેડરેશનમાં હકીકતમાં તો જે-તે સ્પોર્ટ્સના
નિષ્ણાતની અધિકારી તરીકે વરણી થવી જોઇએ.
જેના સ્થાને ભારતમાં સ્પોર્ટ્સ ફેડરેશનમાં વર્ષો
રાજકારણીઓ પોતાની પેઢી હોય તેમ ઈજારો
જમાવી બેઠા છે. આ રાજકારણીઓનો એકમાત્ર
હેતુ દર વર્ષે મળતી ગ્રાન્ટની રકમ પોતાના
ગજવામાં મૂકવાની અને અમુક સમયે સરકારી
ખર્ચે વિદેશમાં સહેલ કરવા મળે તે હોય છે.
૮૪ વર્ષમાં ૧૦ પ્રમુખ
ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનની સ્થાપના ૧૯૨૮માં કરવામાં આવી ત્યારે સર દોરાબજી તાતા સૌપ્રથમ પ્રમુખ હતા. ૮૪ વર્ષમાં માત્ર ૧૦ પ્રમુખ આઇઓએમાં જોવા મળ્યા છે.
વિવાદાસ્પદ વરણી
પ્રમુખ તરીકે અભય ચૌટાલા, સેક્રેટરી જનરલ તરીકે
લલિત ભનોતની વરણી નિશ્ચિત હતી. ભનોત સામે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો તો ચૌટાલા સામે બેનામી મિલકતનો કેસ છે.
હવે શું?
૧. ભારતીય એથ્લેટ્સ ઓલિમ્પિક્સ (હવે ૨૦૧૬), એશિયન ગેમ્સ (હવે ૨૦૧૪)માં ભાગ લઇ શકશે નહીં.
૨.ભારતીય એથ્લેટ્સ આઇઓસીનાં બેનર હેઠળ ક્વોલિફાયરમાં અવ્વલ રહેશે તો તે ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકશે.
૩. હવે આઇઓસી દ્વારા ફંડ નહીં મળે.
૪. કોઇ અધિકારી આઇઓસીની મિટિંગમાં ભાગ નહીં લઇ શકે.
૫. ભારત ઓલિમ્પિક, એશિયન ગેમ્સની યજમાની નહીં કરી શકે.
No comments:
Post a Comment