સ્પેન ઃ ઓલરાઉન્ડ તાકાત * ફૂટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન * યુરો કપમાં વિજેતા * ટેનિસમાં નડાલ અને ટોપ ટ્વેન્ટીમાં પાંચ ખેલાડી * પાંચ વખત ડેવિસ કપ ચેમ્પિયન * ફોર્મ્યુલા વન ચેમ્પિયન અલોન્સો * મોટર બાઈક રેસમાં શાન * એનબીએ બાસ્કેટ બોલના સ્ટાર ખેલાડીઓ * ટુર ડી ફ્રાંસમાં ચેમ્પિયન * બાસ્કેટ બોલનું વર્લ્ડ ચેમ્પિયન * ગોલ્ફ, વોટર સ્પોર્ટસ, ચેસમાં પણ વટ
સ્પેનની વસ્તી અંદાજે ચાર કરોડ સિત્તેર લાખ જેટલી છે. એટલે કે ગુજરાત કરતા બે કરોડ ઓછી. આમ છતાં ટચુકડા સ્પેને રમત જગત ક્ષેત્રે જે સિદ્ધી નોંધાવી છે તેવી સવા અબજની વસ્તી ધરાવતો ભારત દેશ બીજા ૫૦ વર્ષમાં પણ કલ્પી ના શકે. ભારતની વાત જવા દો અમેરિકા, ચીન અને યુરોપના હેડક્વાર્ટર મનાતા બ્રિટનને પણ સ્પેનની સ્પોર્ટસ સિદ્ધી બદલ ઈર્ષા થતી હશે. એક જમાનામાં રમતના ક્ષેત્રે અમેરિકાના હરિફ મનાતા રશિયા તેમજ કેનેડા, સાઉથ કોરિયાને તો સ્પેને સાવ ઝાંખા પાડી દીધા છે. સ્પેને જુદી જુદી રમતોના ચેમ્પિયનો તો પેદા કર્યા જ પણ ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, રેસંિગ, બેઝબોલ, ગોલ્ફ, સાયકલીંગ, ચેસ, વોટર સ્પોર્ટસ, સ્કીઈંગ, ગોલ્ફ જેવી રમતોમાં તેનું જે કલ્ચર છે તે અદ્વિતીય છે. સ્પોર્ટસ કલબો, ગ્રાઉન્ડ્સ, ટ્રેક, કોર્ટસ, પર્વતમાળા, દરિયાઈ જેવી તમામ રમતોનું ઈન્ફ્રાસ્ટ્રકચર, કોચંિગ કેસ સ્ટડી તરીકે અપનાવવા જેવું છે. આપણે વિશ્વના ૧૦૦ ટેનિસ ખેલાડીમાં પણ નથી. ફૂટબોલમાં વિશ્વમાં ૧૪૫માં છીએ. બાસ્કેટ બોલમાં બાલ્યવસ્થામાં પણ નથી. ઓવરઓલ યુવાપેઢી ભારતમાં માયકાંગલી લાગે. એક રાજ્ય કરતા પણ નાનું સ્પેન કઈ રીતે આ હદે સ્પોર્ટસમાં સુપર પાવર બન્યું હશે? આટલો વિરાટ દેશ ભારત ઓલિમ્પિક યોજી શકે તેમ નથી. જ્યારે સ્પેન ૧૯૯૨માં ઓલિમ્પિકનું યજમાન બની ચૂક્યું છે. સ્પેનની સિદ્ધીઓ પર એક ઝલક નાંખીએ.
ફૂગ્રેટટબોલમાં ઓલટાઈમ
ફૂટબોલનું વર્લ્ડ ચેમ્પિયન સ્પેન છે. ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨ એમ ત્રણ વખત યુરો કપ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાના રેકોર્ડ સ્પેનના નામે છે. ૨૦૦૮માં યુરો કપ, ૨૦૧૦માં વર્લ્ડકપ અને ૨૦૧૨માં ફરી યુરો કપ, આમ સળંગ ત્રણ ટાઈટલ જીતવાની ઐતિહાસિક સિદ્ધી સ્પેન ધરાવે છે. સ્પેનની વર્તમાન ટીમ ફૂટબોલના ઈતિહાસની શ્રેષ્ઠ ટીમ મનાય છે. બાર્સેલોના અને રીઅલ મેડ્રીક ફૂટબોલ વિશ્વની બે ટોચની કલબ મનાય છે. ઘૂરંધર ખેલાડીઓ જંગી રકમ સાથે આ કલબો કરારબદ્ધ કરતી હોય છે. યુરોપિયન કલબ ટુર્નામેન્ટ (યુએફા) સ્પેનની કલબો નવ વખત જીતી ચૂકી છે જ્યારે ‘લા લિગા’માં ૩૨ વખત ચેમ્પિયન બન્યું છે. સ્પેનમાં છેક ૧૮૯૦થી ક્રમશઃ કલબની સ્થાપના થતી રહી છે.
૧૯૩૦થી ૨૦૧૦ સુધીમાં સ્પેનની ફૂટબોલ ટીમ ૧૩ વખત વર્લ્ડકપમાં ક્વોલીફાય થઈ ચૂકી છે. ૨૦૧૦નો વર્લ્ડકપ જીતતા તેઓએ ફાઈનલમાં હોલેન્ડને હરાવ્યું હતું. ઓલિમ્પિકના ફૂટબોલ ઈવેન્ટમાં સ્પેને ૧૯૯૨માં તેઓ જ ઓલિમ્પિકના યજમાન હતા ત્યારે ગોલ્ડ મેડલ અને ૨૦૦૦માં સિડની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ યુથ ફૂટબોલમાં પણ સ્પેન અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયન (૧૯૯૯) બની ચૂક્યું છે. યુરોપની કલબો વચ્ચેની ફૂટબોલ ચેમ્પિયનશીપનું ૨૦૧૨નું ટાઈટલ પણ સ્પેનની એફ.સી. બાર્સેલોના જ ધરાવે છે. કલબો વચ્ચેની ‘લા લિગા’ ચેમ્પિયનશીપનું આયોજન નિયમિત રીતે સ્પેન દ્વારા થાય છે. આ ખૂબ જ પ્રતિષ્ઠીત મુકાબલો મનાય છે. યુરોપીય કલબ ચેમ્પિયનશીપમાં સ્પેનની બાર્સેલોના, રીઅલ મેડ્રીક ઉપરાંત સેવિલા, વિલારીઅલ, વેલેન્સીયા અને એટ્લેટિકો મેડ્રીડ જેવા શહેરોથી ટીમ ઉતરે છે. આ શહેરોની વસ્તી પાંચ લાખથી ૩૦ લાખ માંડ છે. ક્ષાવી, સાઉરેઝ, ઝારા, સેમિટિઅર, રાઉલ, ઝમોરા, કેસિલાસ, બુટ્રાગ્યુનો, કામાચો, ફાબ્રેગસ, ટોરેસ, મોરીએન્ટેસ, વિલ્લા, અલોન્સો, પયોલી વગેરે જેવા મહાન ફૂટબોલરો સ્પેને વિશ્વને ભેટ આપ્યા છે. સ્પેનની વર્તમાન ટીમને વિશ્વના જાણીતા વિવેચકો ફૂટબોલ ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ ટીમ ગણે છે. અત્યારે વિવેચકો અને ભૂતપૂર્વ ખેલાડીઓમાં વિવાદ પ્રવર્તે છે કે ૧૯૭૭ની બ્રાઝિલની ટીમ ઓલટાઈમ ગ્રેટ કે સ્પેનની ટીમ.
ટેનિસમાં સરતાજ ઃ વર્લ્ડ નંબર ટુ અને ટેનિસના ઈતિહાસના મહાન ખેલાડીઓમાં સ્થાન મેળવનાર નડાલ સ્પેનનો છે. ફ્રેન્ચ ઓપનમાં તે રેકોર્ડ સાત વખત ચેમ્પિયન બન્યો છે. જેમાંથી ૨૦૦૫થી ૨૦૦૮ એમ ચાર વર્ષ સળંગ જીત્યો છે. ૨૦૦૮માં તત્કાલિન વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને તેણે વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું. ૨૦૦૯માં તેણે ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૧૦માં યુએસ ઓપનમાં પણ ચેમ્પિયનશીપ મેળવી હતી. તે આવી સિદ્ધી મેળવનાર પ્રથમ સ્પેનિશ ખેલાડી બન્યો હતો. ૨૦૦૮માં બેઈજીંગમાં રમાયેલી ઓલિમ્પિકમાં નડાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નડાલે ૧૧ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જેમાં સાત ફ્રેન્ચ, બે વિમ્બલડન અને એક-એક ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્પેનના મોયાએ ૧૯૯૮માં ફ્રેન્ચ ઓપન અને ફેરેરોએ ૨૦૦૩માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું તે અગાઉ સન્તાનાએ ૧૯૬૧ અને ૧૯૬૪માં ફ્રેન્ચ ઓપન, ૧૯૬૬માં વિમ્બલડન અને ૧૯૬૫માં યુએસ ઓપન જીતી હતી. બુ્રગ્યેરાએ ૧૯૯૩ અને ૧૯૯૪માં ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. જીમેનોએ ૧૯૭૨માં અને કોસ્ટાએ ૨૦૦૨માં ફ્રેન્ચ ઓપન તેને હસ્તક કરી હતી.
મહિલા વિભાગમાં સાન્ચેઝે ત્રણ વખત ફ્રેન્ચ ઓપન (૧૯૮૯, ૧૯૯૪ અને ૧૯૯૮) અને યુએસ ઓપન (૧૯૯૪) જીતી હતી. માર્ટિનેઝે ૧૯૯૪માં વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું. વિશ્વભરના ટોચના ખેલાડીઓની એટીપી ટુર્નામેન્ટ મેડ્રીડ, બાર્સેલોના અને વેલેન્સીયા ઓપન સ્પેનમાં યોજાય છે.
સ્પેન ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૧માં એમ પાંચ વખત ડેવિસ કપમાં ચેમ્પિયન બન્યું છે. જ્યારે ફેડરેશન કપમાં પણ પાંચ વખત ટાઈટલ જીતી ચૂક્યું છે. વર્લ્ડના ટોપ ટ્વેન્ટીમાં નડાલ (બીજો), ફેરર (પાંચમો) અલ્માગ્રો (અગિયારમો), વર્ડાસ્કો (સોળમો), લોપેઝ (સત્તરમો) એમ પાંચ ખેલાડીઓ સ્પેનના છે. આની સામે ટેનિસમાં એક જમાનામાં આધિપત્ય હતું તેવા અમેરિકાના બે જ ખેલાડીઓ ટોપ ટ્વેન્ટીમાં છે. આઈસનર (દસમો) અને ફિશ (બારમો)નો સમાવેશ થાય છે. ઓપન એરામાં સ્પેનના ૩૮ ખેલાડીઓ વર્લ્ડ નંબર વનથી વર્લ્ડ નંબર ૫૦ સુધીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. કોરેત્ઝા, રોબ્રેડો, એગ્યુલેરા, એમિલો સાન્ચેઝ, બેરાસાટેગુઈ, કાર્લોસ મોયા અને મન્ટીલા ટોપ ટેનમાં રહી ચૂક્યા છે.
બાસ્કેટબોલમાં પણ વટ ઃ યુરોપિયન બાસ્કેટ બોલ લીગ અંતર્ગત યોજાતી ‘એસીબી’ ટુર્નામેન્ટમાં વિશ્વભરની કલબ ટીમોના ખેલાડીઓ ભાગ લે છે. એફસી બાર્સેલોના રીઅલ, મેડ્રીડ, યુવેન્ટસ યુરો કપ બાસ્કેટબોલ જીતી ચૂક્યા છે. સ્પેનનો પાઉ ગાસોલ, તેનો નાનો ભાઈ માર્ક ગેસોલ, હોઝે કાલ્ડેરોન, રૂડી સ્નોન્ડીઝ અને સર્જીઓ રોડ્રીગ્સ, ટીકી રૂબિયો હાલ અમેરિકામાં ‘એનબીએ’ના સ્ટાર ખેલાડીઓ છે. ૨૦૦૬માં સ્પેન બાસ્કેટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. છ વખત રનર્સ અપ રહ્યું છે. યુરોપમાં તેઓ વર્તમાન ચેમ્પિયન છે.
ફોર્મ્યુલા કાર રેસંિગ ઃ આપણે ત્યાં છેક ગયા વર્ષે કાર રેસંિગ યોજાઈ પણ સ્પેનમાં ૧૯૧૩થી આવી સ્પર્ધા યોજાય છે. સ્પેનનો અલોન્સો ટોચનો રેસર મનાય છે. ૨૦૦૬માં તે ચેમ્પિયન બન્યો હતો. સ્પેનમાં કાર રેસંિગ એ હદે લોકપ્રિય છે કે વિશ્વનો તે એક માત્ર એવો દેશ છે જ્યાં વર્ષમાં બે વખત એટલે કે બાર્સેલોના ગ્રાન્ડ પ્રી અને વેલેન્સીયા યુરોપિયન ગ્રાન્ડ પ્રી જેવા મેગા ઈવેન્ટ યોજાય છે. આ ઉપરાંત મોટરસાયકલીંગ ગ્રાન્ડ પ્રીમાં પણ સ્પેનની વિશ્વ સ્તરે ધાક છે. પેડ્રોસ, ટેરોલ, લોર્નેઝો પોન્સ, ગીબેરમાઉ જેવા ડઝનેક રેસરો ચેમ્પિયન બની ચૂક્યા છે.
સાયક્લીંગ ઃ સ્પેનના દરેક શહેરમાં સાયકલીંગ કલબ છે. ‘લા લ્યુઓટા’ સાયકલીંગ રેસ સ્પેનનો સૌથી લોકપ્રિય ઈવેન્ટ છે. સ્પેનને કુદરતે નયનરમ્ય પર્વતમાળાઓ, ટ્રેક, દરિયો અને સરોવરો આપ્યા છે. સ્પેનની પ્રજા પણ તમામ રમતોમાં રસ લે છે. શોખથી ભાગ લેવા પણ ઉત્સાહ બનાવે છે. મોટેભાગે શનિ-રવિ બધા તેમના ‘આઉટંિગ’માં કોઈને કોઈ સ્પોર્ટસમાં ભાગ લે જ છે. સ્થાનિક ટીવી ચેનલો પર પણ આવા ઈવેન્ટનું પ્રસારણ થાય છે. સ્પેનમાં ફિલ્મ સ્ટારો નહીં પણ સ્પોર્ટસમેનની દિવાનગી છે. માઈગ્યુલ ઈન્દુરેઈન અને અબ્રહમ ઓલાનો જેવા સાયકલીસ્ટો સ્પેનના વિશ્વ સ્તરના સ્ટાર છે. ૨૦૦૭માં સ્પેનનો કોન્ટાડોર અને ૨૦૦૮માં સાસ્ત્રે સાયકલીંગના સૌથી પ્રતિષ્ઠીત વર્લ્ડ ઈવેન્ટ ‘ટુર ડી ફ્રાંસ’માં ચેમ્પિયન બન્યા હતા. બેઈઝંિગ ઓલિમ્પિકના રોડ સાયકલીંગ ઈવેન્ટમાં સાન્ચેઝે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વોટર એન્ડ એડવેન્ચર ઃ સર્ફંિગ, વોટર પોલો, સીન્ક્રોનાઈઝ સ્વીમંિગ, સ્કુબા ડાઈવંિગ, બંજી, સ્કીઈંગ માટે સ્પેન વિશ્વ પ્રવાસીઓ માટે અલ્ટીમેટ આકર્ષણ સમાન મનાય છે. સ્પેનના પ્રત્યેક શહેરની નજીક સ્કી રીઝોર્ટસ છે.
પાઉ ગાસોલ ઃ આ ખેલાડીઓ સ્પેનમાં જેટલો લોકપ્રિય છે તેના કરતા વઘુ અમેરિકામાં છે. કેમ કે ‘એનબીએ’ની લોસ એંજલસ લેકર્સનો તે સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી છે. તેને મેડિકલમાં પ્રવેશ મળ્યો હતો છતાં બાસ્કેટબોલમાં પ્રોફેશનલ ખેલાડી બનવાનું પસંદ કર્યું હતું. ૧૬ વર્ષની વયે તે સ્પેનનો સૌથી શ્રેષ્ઠ જુનિયર ખેલાડી જાહેર થયો હતો. તેની પ્રતિભાને પારખીને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીએ તેને સ્કોલરશીપ આપીને સ્થાયી થવા ઓફર કરી. ૨૦૦૧થી તેણે ‘એનબીએ’માં રમવાનું શરૂ કરીઘું. શરૂના વર્ષોમાં ‘એટલાન્ટીક હોક્સ’ અને ‘મેમ્ફીસ ગ્રિઝલાઈસ’ જોડે રમીને આગળ જતાં ‘એલ.એ. લેકર્સ’માં જોડાઈ છવાઈ ગયો. ૨૦૦૯માં તેના જોરદાર દેખાવને સહારે એલ.એ. લેકર્સની ટીમે એનબીએનું ટાઈટલ જીત્યું હતું. તેનો ભાઈ માર્ક ગાસોલ પણ ટોચનો ખેલાડી છે. સ્પેન ૨૦૦૬માં વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ટીમ છે.
વિશ્વનાથન આનંદ ઃ ભારતનો વિશ્વનાથન આનંદ સ્પેનના સ્પોર્ટસ કલ્ચરથી પ્રભાવિત થઈને ત્યાં જ સ્થાયી થયો છે. સ્પેનમાં જ તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી મહત્તમ તૈયારી કરી હતી. ઈન્ડોર રમતમાં સ્પેનમાં ચેસ સૌથી લોકપ્રિય છે. સ્પેનમાં ચેસ કલબો છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો ત્યાં યોજાય છે. સ્પેનની સરકારે વિશ્વનાથ આનંદને માનભેર નાગરિકત્વ આપ્યું છે. સ્પેન જેવડા ટચુકડા દેશે છેક ૧૯૯૨માં બાર્સેલોનામાં ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું. ભારતને સૌ પ્રથમ વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છેક બેઈજીંગમાં મળ્યો હતો. એક રાજ્ય કરતા પણ નાના સ્પેને ૧૯૯૨માં ૧૩ અને ૨૦૦૮માં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. યાદ રહે સ્પેને ચેમ્પિયન ખેલાડી કે ટીમ વિશ્વ સ્તરે આપી છે તે રીતે તેને મુલવવા તરફ ઈશારો નથી. પણ ત્યાં પ્રવર્તતા મલ્ટી સ્પોર્ટસ કલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્પોટ્ર્સ મેનેજમેન્ટ, કોચંિગની આયોજનની રીતે જોવાની જરૂર છે.
એવું લાગે કે સ્પોર્ટસ માહોલ અને મિજાજની રીતે ભારત ૫૦ વર્ષ પાછળ છે.
|