Sunday, January 27, 2013

યોકોવિચે ઇતિહાસ રચ્યો



મેલબોર્ન, તા.૨૭
એન્ડી મરે સામે ૬-૭, ૭-૬, ૬-૩, ૬-૨થી વિજય

રોજર ફેડરર, રાફેલ નાદાલ બાદ નોવાક યોકોવિચ વર્તમાન સમયમાં ટેનિસનો કિંગ છે અને આ વાત ઓસ્ટ્રલિયન ઓપનમાં ચેમ્પિયન બની સાબિત કરી દીધી છે. યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં બ્રિટનના એન્ડી મરે સામે ૬-૭, ૭-૬, ૬-૩,૬-૨થી વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં સતત ત્રીજી વખત ચેમ્પિયન બનનાર યોકોવિચ વિશ્વનો પ્રથમ ટેનિસ પ્લેયર બન્યો છે. યોકોવિચ ચોથી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યો છે. અગાઉ ૨૦૦૮, ૨૦૧૧,૨૦૧૨માં ચેમ્પિયન બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનતાંની સાથે જ યોકોવિચે કારકિર્દીમાં ૬ ગ્રાન્ડસ્લેમ પૂરા કર્યા છે. જેમાં ચાર ઓસ્ટ્રેલિયન ઓપન, એક વિમ્બલ્ડન અને એક યુએસ ઓપનનો સમાવેશ થાય છે. છ ગ્રાન્ડસ્લેમ મેળવી યોકોવિચે સ્ટિફન એડબર્ગ અને બોરિસ બેકરની બરાબરી કરી હતી. બીજી તરફ ફાઇનલમાં પરાજય થતાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અગાઉ ૨૦૧૦ અને ૨૦૧૧માં પણ રનર્સઅપથી સંતોષ માનવો પડયો હતો. ત્રીજા ક્રમાંકિત મરેએ પ્રભાવશાળી પ્રારંભ કરતાં પ્રથમ સેટ ભારે સંઘર્ષ બાદ ૭-૬થી જીતી લીધો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન યોકોવિચ લડત આપવાના પૂરા મૂડમાં હતો. બીજો સેટ યોકોવિચે જીતી બરાબરી કરી લીધી હતી. યોકોવિચ ત્રીજા અને ચોથા સેટમાં દબદબો જાળવી રાખી ચેમ્પિયન બન્યો હતો.

No comments:

Post a Comment