બેંગલોર, 30,ઓગસ્ટ
વર્ષ ૨૦૧૧-૧૨ના પ્રદર્શનને આધારે બીસીસીઆઇ દ્વારા વાર્ષિક એવોર્ડ્સ એનાયત કરાયા હતા. બુધવારે રાત્રે યોજાયેલા આ એવોર્ડ સમારંભમાં મહેન્દ્રસિંહ ધોનીને બીસીસીઆઈ દ્વારા કેસ્ટ્રોલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતને વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવવા બદલ ધોનીની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઉન્મુક્ત ચંદને જુનિયર ક્રિકેટર ઓફ ધ યર અને ૧૨ ટેસ્ટમાં ૧૧૪૫ રન બનાવવા બદલ રાહુલ દ્રવિડને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વન-ડે ક્રિકેટર ઓફ ધ યર સુરેશ રૈનાને અને બેટ્સમેન ઓફ ધ યર એવોર્ડ માટે સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા આર.અશ્વિનને બોલર ઓફ ધ યરનો એવોર્ડ, જ્યારે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીને અંડર પ્રેશર એવોર્ડ એનાયત કરાયો હતો. આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં સો સદી બદલ સચિનને અને વન-ડેમાં બેવડી સદી ફટકારવા બદલ વિરેન્દ્ર સહેવાગને સ્પેશ્યલ એવોર્ડ એનાયત કર્યા હતો.